જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા રાત્રે એક્શનમાં આવ્યા હતા. શહેરના મુખ્ય વિસ્તારોમાં સફાઈ અને દબાણના પ્રશ્નો સામે આવતા તેમણે રાત્રિના સમયે શહેરના માર્ગોનું જાતે નિરીક્ષણ કર્યું હતું. જયશ્રી સિનેમાની ગલીથી હવાઈ ચોક અને ખોડિયાર કોલોની સુધી તેમણે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.
કમિશનર દીપેશ કેડિયાએ સાંજે પત્રકારો સાથે સફાઈ અને પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ રાત્રે સાડા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી, એટલે કે લગભગ ત્રણ કલાક સુધી, તેમણે પોતાની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત એસ્ટેટ શાખા અને ઘન કચરા વ્યવસ્થાપન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.

રાત્રિના આ રાઉન્ડ દરમિયાન, કમિશનરે સૌપ્રથમ જયશ્રી સિનેમાવાળી ગલી વિસ્તારનું નિરીક્ષણ કર્યું. આ વિસ્તારમાં ગંદકી અને કચરાના પ્રશ્નો અંગે રજૂઆતો મળી હતી. કમિશનરે સ્થળ પર જ સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી અને સફાઈ કર્મચારીઓ તથા સંબંધિત શાખાના સ્ટાફને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

