વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં વ્યાજે નાણાં આપીને ઊંચા વ્યાજની વસૂલાત કરવાના અને નાણાંની માંગણી કરી ધાકધમકી આપવાના આક્ષેપ સાથે લાકડાના વેપારીએ અલ્પેશ ઉર્ફે અલ્લુ શાહ સામે ફરિયાદ નોંધાવી છે. વેપારીએ આરોપી પાસેથી રૂ.1.30 લાખ લીધા બાદ રોજના 2,600 રૂપિયા લેખે વ્યાજની વસૂલાત કરવામાં આવતી હતી.
અત્યાર સુધીમાં આશરે 7.02 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મૂળ રકમમાંથી કોઈ કપાત કરવામાં આવી નહોતી. વધુ નાણાંની માંગણી સાથે વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની તેમજ તેની દીકરીને ઉઠાવી જવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
નાણાં ધિરાણનું લાઇસન્સ ન હોવાનું કહી આ વ્યવહાર ગુપ્ત રાખવા જણાવ્યું ગાજરાવાડીના વિશ્વકર્માનગરમાં સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસે રહેતા અને લાકડાનો વેપાર કરતા 52 વર્ષીય રાજુભાઈ રમેશભાઈ સોનીનો આશરે દસ વર્ષથી અલ્પેશ ઉર્ફે અલ્લુ શાહ સાથે પરિચય હતો.
અગાઉ કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતા અલ્પેશ સાથે ઓળખાણ થયા બાદ રાજુભાઈને નાણાંની જરૂર પડતાં 27 ઓક્ટોબર, 2025ના રોજ તેમણે તેની પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ.1.30 લાખ લીધા હતા. આરોપી પાસે નાણાં ધિરાણનું લાઇસન્સ ન હોવાનું કહી આ વ્યવહાર ગુપ્ત રાખવા જણાવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

