National

કાશ્મીરી પંડિત કર્મચારીઓને ધમકી આપનાર એક્ટિવિસ્ટની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત કર્મચારીઓને ધમકી આપવાના મામલે કાશ્મીરી પંડિત કાર્યકર રાકેશ હાંડુની હરિયાણાના ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. તેના વિરુદ્ધ આતંકવાદ અને સાયબર ગુનાથી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

બારામુલા પોલીસની એક વિશેષ ટીમે સ્થાનિક પોલીસની મદદથી 17 ઑક્ટોબરે હાંડુને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર જમ્મુ-કાશ્મીર લાવવામાં આવ્યો. પોલીસને હાંડુ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે.

કાશ્મીરી પંડિતોને 7 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીમાં 3 ધમકીભર્યા પત્રો મળ્યા હતા. તેમાં માત્ર કાશ્મીરી પંડિતોના નામ જ નહીં, પરંતુ ઘરનું સરનામું, ગાડીનો નંબર અને રંગ સુધીની વિગતો પણ લખવામાં આવી હતી. ખાનગી માહિતી લીક થયા બાદ કાશ્મીરી પંડિતો વધુ ડરી ગયા હતા.

ત્યારબાદ વડાપ્રધાનના વિશેષ રોજગાર પેકેજ હેઠળ નિયુક્ત કરાયેલા સેંકડો કર્મચારીઓને આશરે ત્રણ અઠવાડિયા માટે રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. તેમને આ સમયગાળા દરમિયાન કામ પર ન આવવા માટે કહેવામાં આવ્યું હતું.