• ૩૦ બેડના અધતન ડાયાલિસીસ સેન્ટર સહિત મેડિકલ અને સર્જિકલ ૈંઝ્રેંનું વિસ્તરણ
• મેડિકલ ICU ૧૦થી વધારીને ૨૦ બેડ અને સર્જિકલ ICU ૧૦થી વધારીને ૨૦ બેડ કરાયું
• ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે આઇસોલેશન ICU, અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ અને હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ
નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરતના કિડની બિલ્ડિંગ ખાતે આજરોજ વિવિધ નવી આરોગ્ય સુવિધાઓના લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે તથા આરોગ્ય રાજયમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. તેમની સાથે ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ તથા મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પારૂલ વડગામા પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૩૦ બેડના અધતન ડાયાલિસીસ સેન્ટર, મેડિકલ ICUનું ૧૦ બેડથી વધારીને ૨૦ બેડ સુધી વિસ્તરણ, સર્જિકલ ICUનું ૧૦ બેડથી વધારીને ૨૦ બેડ સુધી વિસ્તરણ, ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે આઇસોલેશન ICU, અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ તથા સાકેત ગ્રુપ દ્વારા હેલ્પ ડેસ્ક સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલનો પરિવાર દરરોજ ૪૫૦૦ થી ૫૦૦૦ લોકોને ર્ંઁડ્ઢના માધ્યમથી સારવાર આપે છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જેટલા દર્દીઓની સારવાર થાય છે તેના કરતાં પણ વધારે દર્દીઓની સારવાર કરીને તેમને સ્વસ્થ કરી ઘરે મોકલવાનું મહત્વપૂર્ણ કાર્ય સિવિલ હોસ્પિટલનો પરિવાર અને નર્સિંગ ટીમ કરી રહી છે. ૧૫૦૦ બેડના દર્દીઓને સેવા આપવા માટે સિવિલ હોસ્પિટલની ટીમ દરરોજ અડીખમ ઊભી રહે છે.
સિવિલ હોસ્પિટલમાં એવા અનેક દર્દીઓ આવે છે જેમનો કોઈ પરિવાર હોતો નથી અથવા તેમનો પરિવાર તેમને છોડીને ચાલ્યો ગયો હોય છે. આવા સમયે નર્સિંગ સ્ટાફના ભાઈ-બહેનો તેમના પરિવારજનો બનીને નિ:સ્વાર્થ ભાવે તેમની સેવા કરે છે. નિરાધાર દર્દીઓ અને પરિવારથી વિખૂટા પડેલા લોકોની સારવાર ઉપરાંત તેમની અન્ય જરૂરિયાતોમાં પણ નર્સિંગ સ્ટાફ પરિવારના સભ્યની જેમ જવાબદારી નિભાવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, સુરતમાં એક સમયે માત્ર એક જ ડાયાલિસિસ સેન્ટરની સુવિધા હતી, જ્યારે આજે ૩૦થી વધુ ડાયાલિસિસ સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમણે આરોગ્ય ક્ષેત્રમાં સતત વિસ્તરી રહેલી સુવિધાઓને મહત્વપૂર્ણ ગણાવી હતી.
તેમણે કોરોના મહામારીના સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાની તકલીફ વધી રહી હતી સ્ટેમસેલ અને કિડની બિલ્ડિંગોમાં ઝડપથી કોરોના માટેના વોર્ડ ઊભા કરી દર્દીઓને બચાવવાનું કાર્ય થયું હતું. તે સમયે સિવિલ હોસ્પિટલની તબીબી અને નર્સિંગ ટીમે દિવસ-રાત એક કરીને કરેલી કામગીરીને યાદ કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા. સિવિલ હોસ્પિટલની ઓર્ગન ડોનેશન ટીમની કામગીરીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જીવનદાન બચાવવાના ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલની ટીમે અદભુત કાર્ય કર્યું છે. સિવિલ હોસ્પિટલની ટીમમાં સેવા કરવાની માનવતા અને એક ટીમ બનીને આગળ વધવાની ભાવના ખૂબ મોટું ભગીરથ કાર્ય છે. તેમણે સમગ્ર સિવિલ હોસ્પિટલને સ્વચ્છ બનાવવાનો અને સમગ્ર દેશમાં સારી સારવાર મળે તેવો સંકલ્પ કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કોરોના કાળ દરમિયાન તેમણે નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને તબીબોની કામગીરીથી તેમને પોતાના ‘સિવિલ પરિવાર’ પર ગર્વ છે. હોસ્પિટલમાં સ્વચ્છતા, સારો વ્યવહાર અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે દિશામાં સતત કામગીરી થઈ રહી છે.
નર્સિંગ ક્ષેત્રને સેવાભાવપૂર્ણ ગણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, નર્સ તરીકે સેવા આપવીએ ગૌરવની બાબત છે. સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમોએ અંગદાનના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફ, તબીબો અને નર્સિંગ ટીમને સુરતનો દરેક વ્યક્તિ ગર્વથી જુએ તેવું વાતાવરણ ઊભું કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કામરેજ ખાતે ૧૫૦૦ બેડની હોસ્પિટલ બનાવવા માટેની ચાલી રહેલી કામગીરીની વિગતો આપી હતી.
આરોગ્ય ક્ષેત્રના તબીબો, કર્મચારીઓને અંત્યોદય સુધી નિષ્ઠાપૂર્વક આરોગ્ય સેવા પહોંચે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
તબીબી ક્ષેત્રમાં રેગિંગની ઘટનાઓને ગંભીર ગણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિનિયર દ્વારા જુનિયરનું રેગિંગ કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં. તબીબી ક્ષેત્રે સૌએ શિસ્ત અને જવાબદારી સાથે શ્રેષ્ઠ કામગીરી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અહીંથી હજારો દર્દીઓ સારવાર મેળવી આશીર્વાદ આપીને જાય છે. નિષ્ઠાપૂર્વક કરવામાં આવતું કાર્ય સમાજમાં હંમેશાં યાદ રહેતું હોવાનું કહ્યું હતું. તેમણે સેવાભાવના, સ્વચ્છતા અને ઉત્તમ સારવારને કેન્દ્રમાં રાખીને સિવિલ હોસ્પિટલને વધુ શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પારૂલ વડગામાએ સ્વાગત પ્રવચન કરીને સિવિલ હોસ્પિટલમાં આરોગ્યક્ષેત્રે થઈ રહેલા બદલવા, અપગ્રેડેશન અંગેની વિગતો આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, મેડીકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, મેડીકલ ઓફીસર ડો.ભરત ચાવડા, નર્સિગ સુપ્રિન્ટેન્ડન્ટ મીરજા પટેલ, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ઈન્દ્રાવતી રાવ, ફિજીયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડો. મનમીત કૌર, ટીએએઆઈના સેક્રેટરીશ્રી ઈકબાલ કડીવાલા, વિવિધ વિભાગના વડાઓ, તમામ પ્રિન્સિપાલો, નવી સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, સહાય કર્મી બહેનો, વિવિધ એન.જી.ઓ., સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, હોસ્પિટલના એસોસિયેશનો, મેડીકલ ઓફિસરો, મોટી સંખ્યામાં સંબંધિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

