Gujarat

સ્વામિનારાયણ સંપ્રદાયના શુદ્ધિકરણ માટે 1 નવેમ્બરે ધર્મસભા

સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળ સિદ્ધાંતો, બંધારણ અને પરંપરાના જતનને લઈને ફરી એકવાર વિરોધનો સૂર બુલંદ બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ સંતોના વિવાદિત નિવેદનો અને આચરણના કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલા સંપ્રદાયની ગરિમા પુનઃ સ્થાપિત કરવા સુરતમાં મોટો નિર્ણય લેવાયો છે. ‘સત્ય સિદ્ધાંત સમિતિ’ દ્વારા આગામી દિવસોમાં એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી 5000 કરતાં વધુ સંતો-મહંતો અને અગ્રણી હરિભક્તો એકત્ર થઈ સંપ્રદાયના શુદ્ધિકરણ અંગે ગંભીર મનોમંથન કરશે.

વિવાદો વચ્ચે મૂળ સિદ્ધાંતો અને બંધારણ બચાવવાની કવાયત છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુ-સંતોના વિવાદાસ્પદ વલણ, નિવેદનો અને આચરણને કારણે ભારે વિવાદો સર્જાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો, મૂળ બંધારણ તેમજ ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલી આચારસંહિતા ‘શિક્ષાપત્રી’ના આદેશોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી આ ધર્મસભા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. સત્ય સિદ્ધાંત સમિતિનું માનવું છે કે સંપ્રદાયની ધાર્મિક અને નૈતિક પરંપરા જળવાઈ રહે તે માટે હવે આત્મમંથન અનિવાર્ય બની ગયું છે.

25-30 વર્ષના મનસ્વી વહીવટ સામે અવાજ ઉઠાવાશે સમિતિ અને સત્સંગી વર્ગમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે, છેલ્લા 25થી 30 વર્ષ દરમિયાન સંપ્રદાયમાં કેટલાક સ્થાનો પર અહંકારી અને મનસ્વી વહીવટના કારણે મૂળ વ્યવસ્થા અને પરંપરા કથળી છે. સત્તા અને વહીવટી વર્ચસ્વના કારણે સાચા સિદ્ધાંતો હાંસિયામાં ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાંથી સંપ્રદાયને બહાર લાવવા અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે ધર્મસભામાં બંધારણીય સુધારા તેમજ સંતોના આચાર-વિચાર પર ખુલ્લી ચર્ચા થશે.