Gujarat

બનાસકાંઠામાં ગોબરથી બાયો-સીએનજી ઉત્પાદનથી ખેડૂતોને ફાયદો

પરંપરાગત ડેરી વ્યવસાયમાં વર્ષો સુધી ઉપેક્ષિત ગણાતા પશુઓના છાણ (ગોબર) ને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ કાર્યરત બનાસ ડેરીએ પોતાની સર્વોચ્ચ મૂલ્યવાન અસ્કયામતમાં પરિવર્તિત કરી બતાવ્યું છે. સામાન્ય કચરો ગણાતા છાણને વાહનો માટેના સ્વચ્છ હરિત બળતણ (Bio-CNG), ઉત્કૃષ્ટ સેન્દ્રિય ખાતર અને પશુપાલક પરિવારો માટે પખવાડિક નિયમિત રોકડ આવકના સ્રોતમાં ફેરવીને સંસ્થાએ એક ક્રાંતિકારી પહેલ હાથ ધરી છે.

આગામી 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની ધરતી પરથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે બનાસકાંઠામાં અંદાજે 28 લાખ પશુધન પૈકી 24 લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે, જેના થકી દૈનિક આશરે 24,000 ટન છાણનું ઉત્પાદન થાય છે. ફેબ્રઆરી 2020માં ડીસાના દામા ગામથી છાણ ખરીદીની ઐતિહાસિક શરૂઆત કરી 25, ઓગસ્ટ 2020ના રોજ દેશના સૌપ્રથમ વ્યાપારી ધોરણના CBG આઉટલેટનો પ્રારંભ કરાયો હતો.

ત્યારબાદ સુઝુકી મોટર કોર્પોરેશન અને NDDB સાથે થયેલા ત્રિપક્ષીય કરાર હેઠળ આગથળા, ભૂખલા અને વીંછીવાડા ખાતે પ્લાન્ટ્સ કાર્યરત કરાયા છે. હાલ 4 પ્લાન્ટ્સ દ્વારા રોજ 340 ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે, જ્યારે થરાદ અને રાધનપુર ખાતે નવા પ્લાન્ટ્સ કાર્યરત થતાં આ નેટવર્કની દૈનિક ક્ષમતા 515 મેટ્રિક ટન પહોંચશે.