Gujarat

ડમ્પર મિક્સર મશીન સાથે અથડાતા ચાલકનું મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા પલસાણા ચોકડી ઓવરબ્રિજ ઉપર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક હાઇવા ડમ્પર આગળ જઈ રહેલા એજેક્સ ગડર મિક્સર મશીન સાથે પાછળથી અથડાતા ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું મૃતક ચાલકની ઓળખ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુસલગઢ તાલુકાના બાવડી ડીડોરના 50 વર્ષીય પ્રભુલાલ કછરીયાજી તરીકે થઈ છે. તેઓ ટાટા કંપનીનું હાઇવા ડમ્પર (નંબર GJ 19 X 2727) ચલાવી રહ્યા હતા. આ ઘટના 27 મે 2026ના રોજ રાત્રે આશરે 9:20 કલાકે બની હતી, જ્યારે ડમ્પર નવસારીથી સુરત તરફ જઈ રહ્યું હતું અને આગળ જઈ રહેલા એજેક્સ ગડર મિક્સર મશીન (નંબર GJ 05 SP 2436) સાથે અથડાયું હતું.

અકસ્માત એટલો ભયાવહ હતો કે હાઇવા ડમ્પરના કેબિનનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. ચાલક પ્રભુલાલ કછરીયાજી કેબિનમાં ફસાઈ ગયા હતા અને માથા, ચહેરા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ ઝીલેરિયા અને ટ્રાફિક જમાદાર ભરતભાઈ ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને હાઈવેનો રસ્તો વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો.