દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કબજે કરેલા અને બિનવારસી હાલતમાં પડેલા કુલ 148 વાહનોની હરાજી કરી છે. બુધવારે યોજાયેલી આ પારદર્શક પ્રક્રિયાથી સરકારને ₹6.87 લાખની આવક થઈ છે, જે સરકારી તિજોરીમાં જમા કરવામાં આવી છે.
આ વાહનો કલ્યાણપુર, દ્વારકા, મીઠાપુર, ઓખા મરીન અને બેટ દ્વારકા પોલીસ સ્ટેશનોમાં ગુનાઓમાં કબજે કરાયેલા, બિનવારસી અથવા મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ જપ્ત કરાયેલા હતા. વાહન માલિકોને અનેક નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં, કોઈ પણ વાહન છોડાવવા માટે હાજર થયું ન હતું.

પોલીસે જણાવ્યું હતું કે લાંબા સમયથી પોલીસ સ્ટેશનોમાં પડેલા આ વાહનો જગ્યા રોકી રહ્યા હતા અને બિનઉપયોગી બની રહ્યા હતા. આથી, એક વાહન હરાજી સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે તમામ વાહનોની અપસેટ વેલ્યુ નક્કી કરી હતી. સરકારી નિયમો મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત કુલ 148 વાહનોની પારદર્શક રીતે હરાજી કરવામાં આવી હતી.

