Gujarat

દ્વારકા-સોમનાથ હાઇ-વે ધોવાતા વાહન-વ્યવહાર બંધ

રાજ્યમાં 2 જુલાઈથી વરસાદનો જબરદસ્ત રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને 3 જુલાઈએ કેટલીક જગ્યાએ કહેર બનીને વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ, માળીયા હાટીનામાં 14 ઇંચ અને ડાંગના વઘઇમાં 13 ઇંચથી સ્થિતિ વણસી છે.

માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે. પૂરની સ્થિતિ વચ્ચે ગઈકાલે તાપીના વાલોડમાં બે લોકોના તણાઈ જતાં મોત નીપજ્યાં હતાં.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે.