અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં જમીન દફતર નિરીક્ષક (ILR), વર્ગ-2ની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયથી ખેડૂતો, જમીન માલિકો અને અરજદારોને હવે જમીન સંબંધિત કામગીરી માટે અમદાવાદ શહેર સુધી જવાની જરૂર રહેશે નહીં. આ કચેરીઓ દ્વારા જમીનની માપણી, રેકોર્ડમાં સુધારણા, નકશા અને સીમ નિર્ધારણ સહિતની વિવિધ જમીન સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે. જિલ્લાના દસ્ક્રોઈ, સાણંદ, વિરમગામ, દેત્રોજ-રામપુરા, માંડલ, ધોળકા, બાવળા, ધંધુકા અને ધોલેરા સહિતના તમામ તાલુકાઓમાં ILR કચેરીઓના સરનામાં જાહેર કરાયા છે.
દેત્રોજ-રામપુરા તાલુકાની ILR કચેરી શિવશક્તિ આર્કેડ ખાતે કાર્યરત છે, જ્યારે માંડલ તાલુકાની કચેરી ભોળાનાથ કોમ્પ્લેક્સના પ્રથમ માળે શરૂ થઈ છે. વિરમગામ, ધોળકા, ધંધુકા અને ધોલેરા તાલુકાઓમાં આ કચેરીઓ તાલુકા સેવા સદન ખાતે કાર્યરત છે. સાણંદમાં સરપંચ રોડ પર અને દસ્ક્રોઈમાં વસ્ત્રાલ સ્થિત મહેસૂલ ભવન ખાતે કચેરીઓ શરૂ કરવામાં આવી છે.
આ નવી વ્યવસ્થાથી જમીનને લગતી સેવાઓનું વિકેન્દ્રીકરણ થતાં નાગરિકોના સમય અને ખર્ચની બચત થશે. અગાઉ જિલ્લા કક્ષાએ થતી ઘણી કામગીરી હવે તાલુકા કક્ષાએ જ પૂર્ણ થઈ શકશે, જેનાથી ખેડૂતો અને જમીન ધારકોને વધુ ઝડપી અને પારદર્શક સેવાઓ મળશે. મહેસૂલ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જમીનની માપણી, 7/12, 8-અ અને નકશા સંબંધિત કામ માટે પોતાના તાલુકાની ILR કચેરીનો સંપર્ક કરે.

