જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વીજ બીલ ન ભરનાર 42,622 બાકીદારોની લેણી રકમ રૂ.20.35 કરોડની વસુલાત કરવા માટેની આગામી તા.17મી માર્ચના રોજ મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બન્ને જિલ્લામાં 360 જેટલી ટીમો કામગીરી કરવામાં આવશે. ડ્રાઈવ દરમિયાન સ્થળ ઉપર બાકી બીલ વસુલ કરવામાં આવશે નહી. જેથી વહેલી તકે વીજ બીલ ભરી આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વીજ બીલ પેટે બાકીદારો 58,915ની રૂ.28.57 કરોડ જેટલી માતબર રકમ બાકી હોય, જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાંની વસૂલાત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 240 થી વધુ ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 15,374 ગ્રાહકો પાસેથી વીજ બીલના રૂ.6.60 કરોડની વસુલાત કરવામાં આવી હતી.
તેમ છતાં વીજ બીલ ન ભરનાર 42,622 બાકીદારોની લેણી રકમ રૂ.20.35 કરોડની વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. જે અંતર્ગત આગામી તા.17 માર્ચના રોજ મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલારના કુલ 36 પેટાવિભાગીય કચેરીઓમાં ડીસ-કનેકશન કામગીરી માટે કુલ 360 ટીમો તૈયાર કરવામાં આવી છે.
આગામી મંગળવારના રોજ વહેલી સવારથી જ શહેર-જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ તંત્રની ટીમો બાકીદારોના વીજ કનેકશનો કટ કરવાની કામગીરી કરવામાં આવશે. વીજ તંત્રની કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલારમાં બાકીદારો પાસેથી દૈનિક 240 ટીમો દ્વારા વીજ બિલની વસુલાત કરવામાં આવી રહી છે. જેમાં 15374 ગ્રાહકો પાસેથી રૂ.6.60 કરોડ ભરપાઈ કરાવી છે. જેમાં કુલ 919 જેટલા ગ્રાહકો કે જેના બાકી લેણા રૂ.162 કરોડ ભરપાઈ ન થતાં તેઓના વીજજોડાણો કાપી નાખવામાં આવેલ છે.

