ગયા અઠવાડિયે શહેરમાં વરસેલા અતિભારે વરસાદ બાદ બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા થઇ હતી પણ ત્રણ દિવસ બાદ સુધી પણ પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો. આ દરમિયાન મેયર હિતેષ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક રહેવાસીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ તેમને ઘેરી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી.
આ સમયે સ્થાનિકોનો આક્ષેપ છે કે, સતત ત્રણ દિવસ સુધી ઘરોમાં પાણી ભરાયેલા રહેતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, અનાજ સહિતની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. કેટલાક વિસ્તારોમાં લોકો પીવાનું પાણી અને જરૂરી વસ્તુઓ મેળવવા માટે બોટનો સહારો લેવા મજબૂર બન્યા હતા. વરસાદ બંધ રહ્યો હોવા છતા લોકોના ઘરમાં ૨-૩ ફૂટ પાણી ભરાયેલા છે. વરસાદી પાણીની સ્થિતિ તો બોપલ જ્યારે નગરપાલિકા હતું ત્યારે પણ નહોતી તેવી રજૂઆત સ્થાનિકોએ મેયરને કરી હતી.
અમદાવાદના મેયર હિતેશ બારોટે મુલાકાત દરમિયાન સ્થાનિકો ને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તેમણે હોબાળો કરનાર વ્યક્તિ કોંગ્રેસ સાથે સંકળાયેલા હોવાનું કહી સ્થાનિકોની સમસ્યાઓના નિરાકરણ માટે તંત્ર સતત કાર્યરત હોવાનું જણાવ્યું છે.
કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો કે, વરસાદ બાદ અનેક રજૂઆતો છતાં સમયસર કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમનું કહેવું છે કે રહેણાંક વિસ્તારોમાંથી પાણી કાઢવાની પ્રાથમિકતા હોવી જાેઈએ હતી, પરંતુ કામગીરીમાં વિલંબ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
ત્રણ દિવસથી પાણીમાં ફસાયેલા રહેવાસીઓ હવે ઝડપથી પાણીનો નિકાલ, નુકસાનનું મૂલ્યાંકન અને જરૂરી સહાયની માંગ કરી રહ્યા છે. વિસ્તારની સ્થિતિને લઈને રાજકીય આક્ષેપ-પ્રત્યારોપ વચ્ચે સ્થાનિકો માટે તાત્કાલિક રાહત સૌથી મોટો મુદ્દો બન્યો છે.

