Gujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની સ્થળ-મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ સાણંદ-બાવળાના વરસાદી પાણીથી ગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી

સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી ત્વરિત પાણી નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓમાં સર્જાયેલી પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાને આ વિસ્તારોમાં તંત્રવાહકોનું માર્ગદર્શન કરવા અને વરસાદી પાણીના નિકાલ કરવા સાથે સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવાની કામગીરીની દેખરેખ માટે બાવળા તથા સાણંદ તાલુકાની જવાબદારી સોંપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે પણ મુખ્યમંત્રીશ્રી સાથે આ વિસ્તારોની સ્થિતિ અંગે ટેલિફોન પર વાતચીત કરીને વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં બે મંત્રીશ્રીઓને બાવળા અને સાણંદ પહોચવા સૂચનાઓ આપી હતી.

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી સંજય સિંહ મહિડાએ રવિવારે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ત્યાર બાદ તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, જરૂરી રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદની પરિસ્થિતિને પગલે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. દરમિયાન, વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા અને રાહત-બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવાના હેતુથી મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અંદર સુધી પહોંચીને પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

આ ટીમે સાણંદ-બાવળા રોડ પર આવેલી ઇન્ટાસ ફાર્મા, મટોડા, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, કેનાલ પરના વિસ્તારો, બાવળા-સાણંદનાં મોડાસર, વિંછીયા અને માણકોલ સહિતનાં અસરગ્રસ્ત ગામો અને ઔદ્યોગિક વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

મંત્રીઓ તેમજ અધિકારીઓએ પોતે પાણીમાં ઉતરીને સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે સ્થાનિકોની સમસ્યાઓ, પીવાના પાણી, ખોરાક અને રહેઠાણ અંગેની પ્રાથમિક જરૂરિયાતો વિશે પૃચ્છા કરી હતી અને કોઈ પણ નાગરિકને તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર તેમજ જિલ્લા તંત્ર સંપૂર્ણપણે તેમની સાથે હોવાની ખાતરી આપી હતી.

અસરગ્રસ્ત વિસ્તારો અને સ્થળોની મુલાકાત બાદ મંત્રીઓ અને અધિકારીઓની ટીમે બાવળા નગરપાલિકા ખાતે પહોંચીને પાલિકાના પદાધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં પાણીના ત્વરિત નિકાલ માટે પમ્પિંગ ક્ષમતા વધારવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી અને ફૂડ પેકેટ્સની સુચારુ વ્યવસ્થા કરવા તેમજ પૂરના પાણી ઓસરતાં જ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિષયક કામગીરી અને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવા અંગે ચોક્કસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા તેમજ વહીવટી તંત્રને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ મુલાકાત સમયે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, અમદાવાદ રેન્જ આઈ.જી. રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તેમજ અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.