Gujarat

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર ‘સહાયતા સેતુ’ કવાયત

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર દરમિયાન ‘સહાયતા સેતુ’ નામની કવાયત યોજાશે. આ કવાયતમાં ભારત સહિત મિત્ર વિદેશી દેશો અને વિવિધ સરકારી એજન્સીઓ ભાગ લેશે. કવાયતનો મુખ્ય હેતુ કુદરતી આફત કે અન્ય આપત્તિ સમયે લોકોને ઝડપથી મદદ પહોંચાડવાની અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવાની તૈયારી કરવાનો છે.

વિવિધ દેશોની ટીમો સાથે મળીને કરશે કામગીરી ભારત સરકારના નિર્દેશો હેઠળ યોજાનારી આ કવાયત ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. તેમાં વિવિધ દેશો અને એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન કેવી રીતે કરવું, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાહત કામગીરી કેવી રીતે ઝડપી બનાવવી અને મુશ્કેલીના સમયમાં એકબીજાને કેવી રીતે મદદ કરવી તે અંગેની તૈયારીઓ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શક્યતા આ કવાયત નિહાળવા માટે પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મહાનુભાવો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ભારતીય સંરક્ષણ દળોના વડાઓ સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

આપત્તિ સમયે વાયુસેના મહત્વની ભૂમિકા ભજવે છે ભૂકંપ, પૂર, વાવાઝોડું કે અન્ય મોટી આપત્તિ આવે ત્યારે અસરગ્રસ્ત લોકો સુધી સમયસર મદદ પહોંચાડવી જરૂરી હોય છે. આવી સ્થિતિમાં ભારતીય વાયુસેના વિમાનો અને અન્ય સાધનોની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા, જરૂરી સામગ્રી પહોંચાડવા અને બચાવ કામગીરીમાં મદદ કરે છે. આ કવાયત દ્વારા આવી કામગીરી વધુ ઝડપથી અને યોગ્ય સંકલન સાથે કરી શકાય તે માટે તૈયારી કરવામાં આવશે.