જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર સામે ભરબપોરે ફિલ્મી ઢબે કાર આંતરીને 7 શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી તોડફોડ મચાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જૂના મનદુઃખનો ખાર રાખીને આરોપીઓએ કાર રોકી ચાલક તથા તેના સાથીને માર માર્યો હતો અને મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા 21 વર્ષીય ધવલ જીતેશભાઈ વાસુ અને તેમના પિતાને અગાઉ જોગવડ ગામ પાસે આરોપીઓના સંબંધીઓ સાથે તકરાર થઈ હતી. જેનો ખાર રાખીને ગત 9 નવેમ્બરના રોજ બપોરે આશરે 3:45 વાગ્યે આ હુમલો કરવામાં આવ્યો હતો. ધવલભાઈ જી.જી. હોસ્પિટલમાંથી સારવાર કરાવી પોતાની કાર (નં. GJ-10-DR-8525) મારફતે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ખોડિયાર કોલોનીમાં રાજ ચેમ્બર સામે આરોપી હસમુખ રબારી અને કિશન ખાભલાએ પોતાનું બુલેટ કાર આગળ આડું મૂકી રસ્તો રોકી લીધો હતો.

