ચોમાસાના આગમન પૂર્વે સંભવિત પૂર, ભારે વરસાદ કે જળ-આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે દહેગામ ખાતે ફાયર વિભાગ અને 108 ઈમરજન્સી સેવા દ્વારા સંયુક્ત રીતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ ખાતે યોજાયેલી આ ખાસ કામગીરીનો મુખ્ય હેતુ આપત્તિના સમયે ટીમોની સજ્જતા ચકાસવાનો અને પ્રતિભાવ સમય (રિસ્પોન્સ ટાઈમ) ઘટાડવાનો હતો.
મોકડ્રિલ દરમિયાન, ફાયર અને ઈમરજન્સી ટીમોએ પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટેની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. બચાવકર્મીઓએ લાઈફ જેકેટ, દોરડા અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ડૂબતા વ્યક્તિને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી. આ પ્રક્રિયા દરમિયાન ટીમોએ આપત્તિ સમયે કેવી રીતે ઝડપી નિર્ણયો લઈ શકાય અને ગંભીર પરિસ્થિતિમાં સંકલન કેવી રીતે જાળવવું, તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને પાણી સંબંધિત આપત્તિ સમયે રાખવાની સાવચેતીઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારે વરસાદ દરમિયાન નદી-નાળાથી દૂર રહેવા અને પૂર જેવી સ્થિતિમાં ઘરમાં કે સુરક્ષિત સ્થળે રહેવાની હિમાયત કરવામાં આવી હતી.

