ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત શૈક્ષણિક સત્રની વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આ પરીક્ષા યોજાઈ રહી છે, જે અગાઉ નિયમિત બોર્ડની પરીક્ષાઓની સાથે જ લેવામાં આવતી હતી.
આગામી 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવાની છે, જેના માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે અને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજી તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાયો છે.
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની કુલ 10 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ અમદાવાદ શહેરમાં કુલ 10 બિલ્ડિંગમાં GSOSની પરીક્ષા યોજાશે. જેમાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ધોરણ-10ની 4 બિલ્ડિંગમાં 951 અને ધોરણ-12ની 1 બિલ્ડિંગમાં 97 મળી કુલ 1048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ધોરણ-10ની 3 બિલ્ડિંગમાં 378 અને ધોરણ-12ની 2 બિલ્ડિંગમાં 95 મળી કુલ 474 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળાએ ન ગયેલા અથવા પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં આ પરીક્ષા લેવાઈ રહી છે. પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ પૂર્વના સેન્ટર પર અને પશ્ચિમ વિસ્તારના વિદ્યાર્થીઓ પશ્ચિમના સેન્ટર પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકશે.

