ઇતિહાસમાં પ્રથમ વખત મા અંબાની પવિત્ર જ્યોત અંબાજી મંદિરથી સીધી વનવાસી ગામડાંઓ સુધી પહોંચાડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ પ્રસંગે ગુજરાત અને રાજસ્થાનના 15 થી વધુ વનવાસી ગામોના શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે અને જ્યોત મેળવવા અંબાજી ધામ ખાતે પહોંચ્યા હતા. સ્થાનિક ભક્તો મા અંબાની અખંડ જ્યોત અને માતાજીની તસવીર પોતાના ગામમાં લઈ જઈ નવરાત્રિ દરમિયાન વિધિવત સ્થાપના કરીને પૂજા-અર્ચના તથા ગરબાનું આયોજન કરશે.
વનવાસી વિસ્તારોમાં નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે માતાજીની પવિત્ર જ્યોતના આગમનથી વનવાસી વિસ્તારોમાં આ વર્ષે નવ દિવસ સુધી નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. પરંપરાગત વેશભૂષા, ઢોલ-ડમરુના નાદ અને ગરબાની રમઝટથી વનવાસી સીમાડાઓ ગુંજી ઉઠશે. આ પહેલથી અંતરિયાળ વિસ્તારોના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ્યોત પૂજા કાર્યક્રમ યોજાયો આ વિશેષ અવસર નિમિત્તે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તો માટે એક જ્યોત પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા-અર્ચના કરી વનવાસી ભક્તોને સન્માનપૂર્વક જ્યોત સોંપવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં પાલનપુરના સામાજિક અને સ્થાનિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ઉમદા પહેલને બિરદાવી હતી.

