પાવીજેતપુર તાલુકાના વાંકોલ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન સામે સ્થાનિક ગ્રામજનોએ એકઠા થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ નદીમાં ધસી જઈ રેતી ખનન કરી રહેલા હિટાચી મશીન અને ડમ્પર જેવા વાહનોને સ્થળ પર જ રોકી પાડી તંત્રને જાણ કરી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે અંદાજે 20 ફૂટ ઊંડા ખાડા ખોદી બેફામ રેતી ઉપાડવામાં આવી રહી હતી. તેને અન્ય બ્લોકના સ્ટોકમાં ઠાલવવામાં આવી રહી હતી. ગ્રામજનોએ વાહનોના ડ્રાઇવર અને સંચાલકોની પૂછપરછ કરતાં આ હિટાચી અને વાહનો સ્થાનિક સરપંચના હોવાનું સામે આવ્યું હતું. સરપંચને સ્થળ પર આવવા જણાવવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા. ગ્રામજનોએ મનસ્વી જવાબ આપ્યો હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.
નદી પટમાં મોટા પાયે ખોદકામ થવાથી સ્થાનિક સ્તરે જમીન ધોવાણ થાય છે. ભૂગર્ભ જળસ્તર નીચે જાય છે. ભવિષ્યમાં પીવાના તેમજ સિંચાઈના પાણીની ભારે તંગી સર્જાવાની શક્યતા ગ્રામજનોએ દર્શાવી હતી. આ વિસ્તારમાં રેતી ખનન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. તેના કારણે નદીના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. તંત્ર દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી લાલ આંખ કરાય તે ખૂબ જરૂરી બન્યું છે.

