Gujarat

ભાવનગરમાં લુખ્ખા તત્વોનો આતંક

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં સામાન્ય બાબતની અદાવત રાખીને એક યુવક પર શખ્સે છરી અને લાકડી વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. હુમલા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધાકધમકી આપતાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મંદિરે માનતા પૂરી કરવા ગયેલા યુવક પર ધસી આવેલા શખ્સે હુમલો કર્યો પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ભાવનગર શહેરના બોરડીગેટ નવી જોગીવાડ વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા વિજયભાઈ કાવાભાઈ બારૈયા પોતાના મિત્ર ધર્મેશભાઈ સાથે માનતા પૂરી કરવા માટે ખેડૂતવાસ ઉલ્લાસ પાસે આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ બંને મિત્રો મંદિર પરિસરમાં બેઠા હતા, તે દરમિયાન પોપટનગર (સ્ટીલકાસ્ટ પાછળ) વિસ્તારમાં રહેતો વિક્કી કોળી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો.

‘અમારી બાબતમાં માથું કેમ મારે છે’ કહી છરીના ઘા ઝીંક્યા આરોપી વિક્કી કોળીએ વિજયભાઈ પાસે આવીને “તું બધે અમારી બાબતમાં માથું કેમ મારે છે?” તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું અને ઉશ્કેરાઈને છરી વડે હુમલો કરી વિજયભાઈને હાથના ભાગે ઈજા પહોંચાડી હતી.

ત્યારબાદ લાકડી વડે પણ આડેધડ માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વિજયભાઈને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘોઘારોડ પોલીસે આ મામલે BNS એક્ટની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.