થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન પહેલાં જ જમીનની કેટેગરી બદલીને સરકાર પાસેથી વધુ વળતર મેળવવાના પ્રયાસની શંકા વચ્ચે રજિસ્ટ્રેશન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. નોધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા થરાદના તત્કાલીન સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીની ફરજ દરમિયાન નોંધાયેલા 74 દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે.
હાલ આર.સી. રબારી સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1, અમદાવાદ-11 (અસલાલી) તરીકે ફરજ બજાવે છે. જોકે, વિભાગના 30 સપ્ટેમ્બર, 2026ના પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંબંધિત દસ્તાવેજો તેમની થરાદ, જિલ્લા બનાસકાંઠા ખાતેની અગાઉની ફરજ દરમિયાન નોંધાયા હતા.
74 દસ્તાવેજોમાં જમીન બિનખેતી તરીકે દર્શાવાઈ પત્ર મુજબ, વર્ષ 2021થી 2025 દરમિયાન નોંધાયેલા કુલ 74 દસ્તાવેજોમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળના થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે સંભવિત રીતે સંપાદિત થનારી જમીનનો સમાવેશ થાય છે.
આ દસ્તાવેજોમાં કેટલીક જમીન બિનખેતી થયેલી હોય તે પહેલાં જ બિનખેતી જમીન તરીકે દર્શાવી દસ્તાવેજો નોંધાયા હોવાની બાબત સામે આવી છે. કેટલાક કિસ્સામાં બિનખેતીના પૂરતા પુરાવા તેમજ માલિકીના આધાર પુરાવા લીધા વગર દસ્તાવેજ નોંધાયા હોવાની નોંધ પણ કરવામાં આવી છે.

