જૂનાગઢના ગિરનાર પર્વત પર આજરોજ વહેલી સવારથી જ લીલી પરિક્રમાનો અદભૂત અને ભક્તિમય માહોલ જામી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા આ પરિક્રમાનો વિધિવત પ્રારંભ આજ રાતથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ શ્રદ્ધાળુઓના અપાર ઉત્સાહ અને ભક્તિભાવને કારણે ગત રાત્રિથી જ હજારોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા.
ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધતા અને ભીડનું દબાણ સર્જાતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત પરિક્રમાના પ્રવેશદ્વાર એવા ઇટવા ગેટને આજે વહેલી સવારે છ વાગ્યે જ ભાવિકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

સવારે છ વાગ્યે ગેટ ખુલતાની સાથે જ રાત્રિના સમયથી રાહ જોઈને બેઠેલા હજારો પરિક્રમાર્થીઓમાં આનંદની લહેર ફરી વળી હતી અને ‘જય ગિરનારી’ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ પરિક્રમાના રૂટ તરફ પ્રયાણ કર્યું હતું. ભવનાથ તળેટીમાં બહુ મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓમાંથી ઘણા પરિક્રમાર્થીઓ સીધા ગિરનાર પર્વતના પગથિયાં ચડીને પર્વત ઉપર પહોંચ્યા હતા. ગિરનાર પર્વત પર આવેલા સુપ્રસિદ્ધ માં અંબાજી મંદિર પરિસર ખાતે આજે વહેલી સવારથી જ હૈયે હૈયું દળાય તેટલી વિશાળ માનવમેદની જોવા મળી રહી છે.

