મહુધા : ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મહુધા સ્થિત પી.એમ. શ્રી કુમાર શાળામાં ગુરુ આશીર્વચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોને તિલક કરી, ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષક હેમંતભાઈ તથા શિક્ષિકા શ્રીમતી પ્રજ્ઞાબેનના માર્ગદર્શન હેઠળ સાંદિપની ઋષિ આશ્રમ પર આધારિત પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાનું સુંદર મૂક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુસેવા અને સંસ્કારનું જીવંત ચિત્રણ કરી સૌની પ્રશંસા મેળવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે આદર, શિસ્ત અને સારા સંસ્કારો અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. અંતે આચાર્ય કલ્પેશભાઈ શાહે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી, ગુરુના મહિમા વિશે પ્રેરણાદાયી સંદેશ આપ્યો અને તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા

