માતા પાસે સગીર દીકરીની કસ્ટડી હોય તો તેને ગેરકાયદે ગણાવી શકાય નહીં, કારણ કે માતા કુદરતી વાલી: ગુજરાત હાઇકોર્ટ
હાઇકોર્ટે પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી
ગુજરાત હાઈકોર્ટે સગીર દીકરીની કસ્ટડી મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં, કુદરતી વાલી તરીકે માતા પાસે બાળકની કસ્ટડી હોય તો તેને સામાન્ય રીતે ગેરકાયદે કસ્ટડી ગણાવી શકાય નહીં. હાઈકોર્ટે પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી છે. પિતાએ આક્ષેપ કર્યો હતો કે સેશન્સ કોર્ટના આદેશ મુજબ મે મહિનાના અંતમાં દીકરીની કસ્ટડી પરત સોંપવાની હતી, પરંતુ માતાએ દીકરીને પરત સોંપી નહોતી.
આ કેસમાં પતિ-પત્ની વચ્ચે વૈવાહિક વિવાદ થતાં બંને અલગ રહેવા લાગ્યા હતા. દંપતિને બે દીકરીઓ છે. અલગ થયા બાદ મોટી દીકરી પિતા પાસે રહી હતી, જ્યારે નાની દીકરી માતા પાસે હતી. બંને પક્ષોએ ફેમિલી કોર્ટમાં દીકરીઓની કાયમી કસ્ટડી મેળવવા માટે અરજીઓ કરી હતી.
દરમિયાન માતાએ ઘરેલુ હિંસા કાયદા હેઠળ અરજી કરીને મોટી દીકરીની વચગાળાની કસ્ટડી માગી હતી. એપ્રિલમાં અરજી નામંજૂર થતાં માતાએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે મે મહિનાના અંતિમ સપ્તાહમાં સાત દિવસ માટે દીકરીની વચગાળાની કસ્ટડી માતાને આપવાનો આદેશ કર્યો હતો અને ત્યારબાદ દીકરીને પિતા પાસે પરત સોંપવાની સૂચના આપી હતી. પિતાએ સેશન્સ કોર્ટના આદેશ મુજબ દીકરીને માતાને સોંપી હતી. જાેકે વચગાળાની કસ્ટડીનો સમયગાળો પૂર્ણ થયા બાદ માતાએ દીકરીને અમદાવાદમાં પિતા પાસે પરત સોંપી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આથી પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરીને દીકરીની કસ્ટડી પરત મેળવવાની માગ કરી હતી.
આ કેસની સુનવણી દરમિયાન, પિતાના પક્ષે હાજર રહેલા એડવોકેટ આશિષ એન. પંડ્યાએ દલીલ કરી હતી કે, માતાએ સેશન્સ કોર્ટના આદેશ છતાં દીકરીની કસ્ટડી પરત સોંપી નથી. નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ પણ દીકરીને પોતાની પાસે રાખવી એ કોર્ટના આદેશનું જાણીજાેઈને ઉલ્લંઘન છે.
એડવોકેટ આશિષ એન. પંડ્યાએ વધુમાં રજૂઆત કરી હતી કે, દીકરીને પરત સોંપવાની સમયમર્યાદા પૂર્ણ થવાના એક દિવસ પહેલાં માતાએ પિતા અને તેમના પરિવારજનો સામે મારપીટના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. પિતાના પક્ષે આ સમગ્ર ઘટનાક્રમને કોર્ટના આદેશનું પાલન ટાળવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પિતાના પક્ષે હાઈકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી હતી કે, માતા પાસે રહેલી દીકરીની કસ્ટડીને ગેરકાયદે ગણાવી તેને પિતા પાસે પરત સોંપવાનો આદેશ કરવામાં આવે.
તો, બીજી તરફ માતાના પક્ષે હાજર રહેલા એડવોકેટ આશિષ એન. ચૌધરીએ દલીલ કરી હતી કે, દીકરી પિતા સાથે રહેતી હતી, ત્યારે માનસિક દબાણ અનુભવતી હતી. દીકરીએ માતાને જણાવ્યું હતું કે, તે માતા સાથે ખુશ છે અને પિતા સાથે રહેતી વખતે તેને ઘરમાં બંધ રાખવામાં આવતી હતી. તેમજ પિતા દ્વારા તેને થપ્પડ મારવામાં આવી હોવાનો પણ આક્ષેપ હતો.એડવોકેટ આશિષ એન. ચૌધરીએ માતાના પક્ષે રજૂઆત કરી હતી કે, દીકરીની કસ્ટડી માતા પાસે હોવાને કારણે તેને ગેરકાયદે અટકાયત ગણાવી શકાય નહીં. દીકરીની ઇચ્છા અને તેના હિતને પણ કસ્ટડીના વિવાદમાં મહત્વ આપવું જાેઈએ.
ગુજરાત હાઈકોર્ટે દીકરી સાથે ચેમ્બરમાં વાતચીત કરી હતી. આ દરમિયાન દીકરીએ જણાવ્યું હતું કે, તે માતા સાથે ખુશ છે અને પિતા સાથે રહેવા ઇચ્છતી નથી. કોર્ટે નોંધ્યું હતું કે, અગાઉ અન્ય કોર્ટે પણ દીકરી સાથે વાતચીત કરી હતી અને પિતા પ્રત્યે દીકરીની ગંભીર અનિચ્છા હોવાનું સામે આવ્યું હતું. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે, માતાએ સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા સમયગાળા કરતાં વધુ સમય સુધી દીકરીની કસ્ટડી પોતાની પાસે રાખી હતી. જાેકે પિતાએ કસ્ટડીના આદેશના અમલ માટે યોગ્ય કોર્ટમાં અરજી કરી નહોતી.
તેમજ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, સગીર બાળકની કસ્ટડી માતા પાસે હોય, ત્યારે તેને સામાન્ય રીતે ગેરકાયદે કસ્ટડી ગણાવી શકાય નહીં અને માત્ર આ આધારે હેબિયસ કોર્પસ રિટ જારી કરી શકાય નહીં. ખંડપીઠે નોંધ્યું હતું કે, બંને પક્ષોની કાયમી કસ્ટડીની અરજીઓ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. દીકરીની કાયમી અથવા વચગાળાની કસ્ટડી કોને આપવી તે અંગે હાઈકોર્ટે કોઈ અંતિમ અભિપ્રાય આપ્યો નથી. બંને પક્ષોને સંબંધિત કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવાની છૂટ આપતાં હાઈકોર્ટે પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી હતી.

