Gujarat

માંગરોળના વાંકલ ગામે ‘હર ઘર તિરંગા’ યાત્રા

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ યાત્રા વાંકલ ગામની એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલથી શરૂ થઈને વાંકલ મેઈન બજાર સુધી યોજાઈ હતી. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વસાવાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક સપૂતોના બલિદાનને કારણે દેશવાસીઓને રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો અધિકાર મળ્યો છે. તેમણે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

તરસાડીનગર અને વાંકલ ગામમાં લોકો હાથમાં તિરંગો લઈને નીકળ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા નારાઓથી તરસાડીનગર અને વાંકલ ગામ ગુંજી ઉઠ્યા હતા.