જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આવક વૃદ્ધિ, વિકાસકામોને મંજૂરી અને મહિલા સભ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ સભામાં બિન-ખેતી ઉપકર પ્રતિ રૂપિયે 150પૈસા સુધી વધારવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. ઉપરાંત, ₹5.70 કરોડના ખર્ચે 82વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
પંચાયત ધારા અધિનિયમ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પોતાની આવક વધારવા માટે પ્રતિ રૂપિયે 300પૈસા સુધીનો બિન-ખેતી ઉપકર લાગુ કરવાની જોગવાઈ છે. આ જોગવાઈ હેઠળ, સામાન્ય સભામાં આગામી પાંચ વર્ષ માટે પ્રતિ રૂપિયે ૧૫૦ પૈસા સુધીનો બિન-ખેતી ઉપકર ઉઘરાવવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત હવે આખરી બહાલી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ પીપળીયાએ આપેલી વિગતો અનુસાર, 16મા નાણાપંચના આયોજન હેઠળ કુલ 82 વિકાસકામો માટે ₹5કરોડ 70 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ કામોમાં 34 ટાઇડ ગ્રાન્ટના અને 48અનટાઇડ ગ્રાન્ટના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામોને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી મળી છે.
વહીવટમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે એક વિશેષ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર સ્પષ્ટ કરે છે કે ચૂંટાયેલા મહિલા સભ્યોના સ્થાને તેમના પતિ કે અન્ય પરિવારજનો સભામાં રજૂઆતો કરી શકશે નહીં. પંચાયતના તમામ સ્તરે મહિલા સભ્યોએ પોતે જ સક્રિય થઈને પ્રજાજનોના પ્રશ્નો અને વહીવટી રજૂઆતો જાતે કરવાની રહેશે.

