ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વપૂર્ણ MoU કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડ સરકારના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીની ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયો હતો. આ સમજૂતીથી ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે વેપાર-રોકાણ, રિન્યુએબલ એનર્જી, સ્પોર્ટ્સ, શિક્ષણ, સંશોધન અને લાઇફ સાયન્સ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થવાની આશા છે.
ખાસ કરીને, ગુજરાત વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનું હોવાથી સ્કોટલેન્ડના રમતગમતના આયોજન, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિટનેસ કલ્ચર અંગેના અનુભવો ગુજરાત માટે ઉપયોગી બની શકે છે. બીજી તરફ, ઓફશોર એનર્જીના ક્ષેત્રમાં સ્કોટલેન્ડની નિષ્ણાતતાનો લાભ લેવા ગુજરાતનું એક પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડની મુલાકાતે જાય તેવો પ્રસ્તાવ પણ મુખ્યમંત્રીએ રજૂ કર્યો હતો.
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં સ્કોટલેન્ડનું માર્ગદર્શન મળશે ગુજરાત 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે આગળ વધી રહ્યું છે ત્યારે રમતગમત ક્ષેત્રે સ્કોટલેન્ડનો અનુભવ મહત્ત્વપૂર્ણ બની શકે છે. સ્કોટલેન્ડમાં 2026ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું હોવાથી રમતગમતની સ્પર્ધાઓનું વ્યવસ્થાપન, આધુનિક માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓ માટેની વ્યવસ્થા અને ફિટનેસ કલ્ચરને પ્રોત્સાહન જેવા મુદ્દાઓમાં ગુજરાતને માર્ગદર્શન મળી શકે છે.

