Gujarat

દિવાળી ટાણે ફટાકડા ઉદ્યોગમાં બાળ મજૂરી રોકવા કલેક્ટરનો આદેશ, વિકાસ કામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે

ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીના સમિતિ ખંડ ખાતે કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને ઓક્ટોબર માસની જિલ્લા સંકલન – ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પાયાના પ્રશ્નો, જનસુવિધાઓના વિકાસ કાર્યો તેમજ આગામી તહેવારો અને કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.ખાસ કરીને દિવાળી ટાણે ફટાકડા બનાવતા કે વેચાણ કરતા એકમોમાં બાળ મજૂરી રોકવા ચાઈલ્ડ લેબર વિભાગને કલેકટરે આદેશ આપ્યો હતો.

સઘન કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આ બેઠકમાં લોકપ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના પ્રમુખ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને માણસાના ધારાસભ્યએ પ્રજાના રસ્તા, પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવા પાયાના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે અંગે રજૂઆતો કરી હતી. જેના પગલે કલેક્ટરે જનસુવિધાના તમામ કામોને અગ્રતા આપીને સઘન કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા.

કલેક્ટરે બાળમજૂરી નાબૂદી અંગે કડક વલણ અપનાવ્યું જ્યારે આગામી તા. 31 ઓક્ટોબરના રોજ ઉજવનારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ યોજાનારા વિવિધ કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે પણ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત દિવાળીના તહેવારોને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે બાળમજૂરી નાબૂદી અંગે કડક વલણ અપનાવ્યું હતું.