કાલે 10 મી મે, રવિવારે સમગ્ર દેશ માતૃત્વ દિવસ ઉજવશે. આ પવિત્ર દિવસે અંજારમાં રહેતી ધોરણ 5 ની વિદ્યાર્થીની સૌમ્યા જીતેશભાઈ પીઠડીયા એ વેકેશનનો સદુપયોગ કરી ત્રણ ચિત્રો દ્વારા “મા” ના અનેક રૂપ અને વેદનાને જીવંત કરી છે.
*પ્રથમ ચિત્ર*માં સૌમ્યાએ હૃદયની વચ્ચે મા અને બાળકને દોરીને લખ્યું છે Mom’s Love અને First Home. આસપાસ ન્યાયનું ત્રાજવું, કાયદાની ગવેલ, પેન-બુક અને ધર્મના પ્રતીક દોરીને તેણે બતાવ્યું કે મા એ જ ન્યાય છે, મા એ જ શિક્ષા છે, અને મા એ જ ધર્મ છે.

*બીજા ચિત્ર*માં પીળા સૂર્યની પૃષ્ઠભૂમિમાં મા પોતાના બાળકને ઉછાળીને રમાડે છે. સાથે હાથી અને બચ્ચું, શિક્ષિકા અને વિદ્યાર્થિની, અને દીકરી મા ને ફૂલ અને “Mom” લખેલું ટેડી આપતી દ્રશ્ય છે. આ ચિત્ર કહે છે કે માતૃત્વ માત્ર મનુષ્યમાં જ નહીં, પ્રકૃતિના દરેક જીવમાં એક સરખું છે.

*ત્રીજા ચિત્ર*માં સૌથી ઊંડી વેદના છુપાયેલી છે. કેન્દ્રમાં મા અને બાળકનું સ્વરૂપ છે, અને નીચે એક આંખમાંથી ત્રણ આંસુ વહી રહ્યા છે. આસપાસ સૌમ્યાએ મા ના ચાર રૂપ દોર્યા છે:
– Student: સપનાઓને આંખમાં લઈને ભણતી દીકરી
– Teacher: બ્લેકબોર્ડ પર 2×2=4 લખીને જ્ઞાન આપતી ગુરુ
– Docter: સ્ટેથોસ્કોપ સાથે દર્દીઓની સેવા કરતી સેવિકા
– Police: હાથમાં બંદૂક લઈને ન્યાયની રક્ષા કરતી અધિકારી
એકવીસમી સદીમાં પણ જ્યારે સ્ત્રીઓ પર અત્યાચાર, બળાત્કાર અને અન્યાયની ઘટનાઓ રોજ બને છે, ત્યારે સૌમ્યાની આ પીંછી સવાલ કરે છે: “જે હાથ પારણું ઝુલાવે છે, એ હાથ પર અન્યાયના ડાઘ કેમ?”

ધોરણ 5 ની આ દીકરીનું કહેવું છે કે “મા માત્ર જન્મ નથી આપતી, એ આખી દુનિયા સામે લડીને આપણને ઉછેરે છે”. સૌમ્યાના ચિત્રો માતૃત્વ દિવસની શુભેચ્છા નથી, સમાજના હૃદયને જગાડતી ચીસ છે.
આવો, આ માતૃત્વ દિવસે આપણે વચન લઈએ કે આપણી આસપાસની કોઈ પણ “મા” ની આંખમાં આંસુ નહીં આવવા દઈએ.
સૌમ્યા જીતેશભાઈ પીઠડીયા ધોરણ 5, અંજાર, કચ્છ

