ગાંધીનગરની પાસે પેથાપુરમાં રહેતા યુવાને સગીરાને સેક્ટર-૧૬ ના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મના બનાવમાં પીડિતાને અતિશય રક્તસ્ત્રાવ થતાં પિતાને જાણ કર્યા બાદ સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. જાે કે, ૮ ઓગસ્ટે મોડી રાત્રે મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર થતાં સગીરાનુ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લાના કલોલ તાલુકાની એક ૧૭ વર્ષીય સગીરા પર પેથાપુર ખાતે રહેતા દિશાંત ઉર્ફે દીપ ભરતભાઈ શર્મા(ઉં.વ.૨૨) દ્વારા આચરવામાં આવેલા અમાનુષી દુષ્કર્મ બાદ સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજતાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. યુવકે સગીરાને જાળમાં ફસાવી સેક્ટર-૧૬ના કેપિટલ ગેસ્ટ હાઉસમાં અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. ચાર હોસ્પિટલો બદલવા છતાં અને ત્રણ દિવસ સુધી બેભાન હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર થવાના કારણે મધ્યરાત્રિએ સગીરાનું મોત નીપજ્યું હતું.
આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સગીરા કોલેજ ગઈ હતી અને ગત ગુરુવારે(૬ ઓગસ્ટ) બપોરે પરિવાર સાથે વાતચીત થયા મુજબ સરખેજ માસીના ઘરે જવાની હતી. પરંતુ સગીરા મોડે સુધી ઘરે ન પહોંચતાં પરિવારે આખી રાત તેની શોધખોળ કરી હતી. જાે કે, બીજા દિવસે સવારે દિશાંતના પિતા ભરતભાઈ અન્ય લોકો સાથે સગીરાના ઘરે પહોંચ્યા હતા અને દીકરીને દિશાંત સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું.
પીડિતાના પરિવારનો આરોપ છે કે, સગીરાના પિતા કે પરિવારને અંધારામાં રાખીને આરોપી યુવાનના પિતાએ પોતે વાલી હોવાનો કારસો રચી સગીરાને એડમિટ કરાવી દીધી હતી. બાદમાં પરિવારને જાણ થતાં સગીરાને અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં અતિશય રક્તસ્ત્રાવને કારણે ફેફસાં અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાઈ જતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ શરૂઆતમાં પોલીસને જાણ કરવામાં આવી ન હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે.
પેથાપુર પોલીસ દ્વારા મૃતદેહનું ફોરેન્સિક ટીમની મદદથી પેનલ પીએમ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસ દ્વારા તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ફરજિયાત પણે પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે. જેમાં હોટલમાં આવતા લોકોના આધાર પુરાવા લેવામાં આવે છે, તો સગીરાને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કેવી રીતના આપવામાં આવ્યો તેવા સવાલો થઈ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો દાખલ પણ થઈ શકે છે.

