રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકથી મવડી ચોક તરફ પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે વૃદ્ધ વાહનચાલકને હડફેટે લીધા હતા. જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃત્કના પુત્રએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે 200થી વધુ CCTV કેમેરા ચેક કરી કારચાલક રફિક ગફાર સાલાણીની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબ્જે કરી હતી.
સિક્યુરિટીમાં નોકરીએ જતા સમયે કાર ચાલકે ઉડાવ્યા રાજકોટ તાલુકા પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદી ધર્મેશ મુળજીભાઈ દાફડાએ જણાવ્યું હતું કે, મારા પિતા મુળજીભાઈ અક્ષર સિક્યોરિટીમાં 10 નવેમ્બરના રોજ સવારના 7 વાગ્યા આસપાસ પોતાની નોકરી પર જતા હતા. ત્યારે આસ્થા ચોક નજીક એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને બીજા દિવસે 11 નવેમ્બરે રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
જે અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ગોંડલ ચોકથી શરુ કરી અકસ્માત થયો તે આસ્થા ચોક અને આગળ કઈ તરફ ગાડી જતી હતી તે તપાસી લગભગ 200થી વધુ CCTVના ફૂટેજ ચેક કરી તપાસ કરી હતી. જે તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર કારના નંબર જીજે.03.કેપી.1903 છે. એ સાથે જ કુવાડવા ગામ રહેતા કાર ચાલક રફિક ગફાર સાલાણી હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારે પોલીસે રફિક ગફાર સાલાણીની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબ્જે કરી હતી.

