ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામ નજીક ગતરોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 5 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે.
પાર્ક કરેલા ટ્રક પાછળ બોલેરો ઘૂસી જતા 7ના થયા હતા મોત પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ ભાવનગરથી અલંગ જઈ રહેલી એક બોલેરો કાર ત્રાપજ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અને દર્દનાક દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. એકસાથે સાત જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
SPના હુકમથી 5 સભ્યોની SITની રચના અકસ્માતની ગંભીરતાને જોતા અને તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવ્યા છે. તેમના આદેશથી આ મામલાની ઝીણવટભરી તપાસ માટે 5 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

