Gujarat

સુમુલ ડેરીમાં નિયમો નેવે મૂકી નિમણૂક

અઢી લાખથી વધુ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરી ફરી એકવાર વહીવટી નિર્ણયોને કારણે વિવાદના વમળમાં ફસાઈ છે. એમડી અરુણ પુરોહિતની મુદત હજુ 15 મહિના બાકી હોવા છતાં તેમને પાંચ દિવસ પહેલા તાત્કાલિક અસરથી નિવૃત્ત કરી, 2018માં રિટાયર્ડ થયેલા અને હાલ 65 વર્ષની વય ધરાવતા ડૉ. પી.આર. પાંડેને 11 મહિનાના કરાર પર OSD અને ત્યારબાદ ઇન્ચાર્જ MD બનાવી દેવાતા સહકારી રાજકારણ ગરમાયું છે. કોઈપણ જાહેરાત, સામાન્ય સભા કે GCMMFની મંજૂરી વિના અને ભાજપની વિચારધારા સાથે જોડાયેલા નિવૃત્ત અધિકારીની પુનઃનિમણૂક કરાતા વિવાદ વકર્યો છે.

નિવૃત્ત અધિકારીની પુનઃનિમણૂક અને નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શનકુમાર એ. નાયકે આ નિમણૂકની કાયદેસરતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ડૉ. પાંડે 2018માં નિવૃત્ત થયા હતા અને તેમના અગાઉના કાર્યકાળમાં પણ સુમુલ કે પશુપાલકોને કોઈ નોંધપાત્ર ફાયદો થયો ન હતો. 4,500થી વધુ કાયમી અને કરાર આધારિત કર્મચારીઓ હોવા છતાં અંદરથી કોઈ યોગ્ય વ્યક્તિને તક આપવાને બદલે નિયમો નેવે મૂકીને બહારથી સિનિયર સિટીઝનને ગોઠવી દેવાયા છે.

નાણાકીય સત્તા અને પારદર્શિતા સામે ઉઠ્યા સવાલો કોંગ્રેસે રજૂઆતમાં માગ કરી છે કે નિવૃત્તિ બાદ કયા કાયદાકીય આધાર અને પેટાનિયમો હેઠળ ડૉ. પાંડેને જવાબદારી સોંપાઈ તે જાહેર કરવામાં આવે. બોર્ડની બેઠકના ઠરાવ, તેમના પગાર-ભથ્થાં ઉપરાંત કરોડો રૂપિયાના પ્રોજેક્ટ, મશીનરી ખરીદી, બાંધકામ તેમજ બેંક ખાતા અને ચેક પર સહી કરવાની નાણાકીય સત્તાઓ કોને અપાઈ છે તે અંગે પણ પારદર્શક તપાસ થવી જોઈએ.

દર્શન નાયકના શાસક બોર્ડ પર આકરા પ્રહાર આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા દર્શન નાયકે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, અઢી લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી હંમેશા વિવાદમાં રહી છે. ભાજપની મેન્ડેટવાળું બોર્ડ પશુપાલકો અને સહકારી સંસ્થાના હિતને બદલે પોતાના મળતિયાઓ અને પક્ષને ફાયદો થાય તેવા નિર્ણયો લે છે. એક તરફ વડાપ્રધાન અને મુખ્યમંત્રી યુવાનોને તક આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ સામાન્ય સભા કે GCMMFની મંજૂરી વિના, જાહેરાત આપ્યા વગર 65 વર્ષના નિવૃત્ત વ્યક્તિને મળતિયાવાદ અને ભ્રષ્ટાચાર આચરવા ગોઠવી દેવાયા છે.