સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ ‘ન્યાય મંદિર’નું આવતીકાલે, 5 જૂન, 2026ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંકુલમાં હિંમતનગરની તમામ અદાલતો કાર્યરત થશે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને સુવિધાયુક્ત બનાવશે.

ગુજરાત હાઈકોર્ટના નામદાર જસ્ટિસ અને સાબરકાંઠા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ હેમંત એમ. પ્રચ્છકના વરદ હસ્તે સવારે 10 કલાકે આ નૂતન સંકુલનું લોકાર્પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પ્રારંભ જિલ્લાના ન્યાયતંત્રમાં એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કરશે.

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કે.આર. રબારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી સત્તાવાર અધિસૂચના મુજબ, મજૂર અદાલત સિવાયની તમામ અદાલતો 5 જૂન, 2026 થી નવા બિલ્ડીંગમાંથી જ પોતાની કામગીરી શરૂ કરશે. આમાં જિલ્લા અને સેશન્સ કોર્ટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) ની કચેરીઓનો સમાવેશ થાય છે.

હિંમતનગરના ઇડર સ્ટેટ હાઇવે પર આવેલા આ નવા સંકુલમાં સ્થળાંતર થવાથી પક્ષકારો, વકીલો અને કર્મચારીઓ માટે વહીવટી સરળતામાં વધારો થશે. 5 જૂનના રોજ સત્તાવાર કચેરી સમય પૂર્વે જ તમામ અદાલતી કામગીરી નવા સરનામે તબદીલ કરી દેવામાં આવશે. નવું સરનામું “ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ, ન્યાય મંદિર, હિમંતનગર, સાબરકાંઠા – 383001” રહેશે.

લોકાર્પણ પૂર્વે, આ બહુમાળી સંકુલને ભવ્ય અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. એલઇડી અને સિરિજો ઉપરાંત તિરંગા લાઇટનો પણ શણગાર કરવામાં આવ્યો છે, જે અહીંથી પસાર થતા રાહદારીઓ અને શહેરીજનોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

