ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે અંદાજે ₹9.50 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા નવા અદ્યતન સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન થયું હતું.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોને આગળ વધારવા માટે ગુજરાત સરકાર યુવાનોને વૈશ્વિક કક્ષાની રોજગારલક્ષી તાલીમ આપવા પ્રતિબદ્ધ છે.

તેમણે ઉમેર્યું કે અગાઉ ભાડાના મકાનમાં મર્યાદિત સુવિધાઓ સાથે કાર્યરત ITI હવે 3,372 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં કાર્યરત બન્યું છે. આ નવા ભવનમાં 13 થિયરી રૂમ, આધુનિક પ્રાયોગિક વર્કશોપ, વહીવટી કચેરીઓ અને તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં ઝડપથી વધી રહેલા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને ITIમાં 10થી વધુ રોજગારલક્ષી ટ્રેડ્સ ચલાવવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ નવા ટ્રેડ્સ શરૂ કરાશે. ખાસ કરીને સોલાર ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સ જેવા આધુનિક ક્ષેત્રોને તાલીમમાં સામેલ કરવા પર સરકાર ભાર મૂકી રહી છે.

મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ચાલુ શૈક્ષણિક વર્ષથી તમામ ITI તાલીમાર્થીઓને સરકાર દ્વારા મફત યુનિફોર્મ આપવામાં આવશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ તાલીમાર્થીઓને ઉદ્યોગોમાં પ્રાયોગિક તાલીમ સાથે આર્થિક પ્રોત્સાહન પણ અપાશે. તેમણે યુવતીઓને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.

કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છ મહિના અને એક વર્ષના શોર્ટ-ટર્મ સ્કિલ કોર્સ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ડિગ્રી સાથે કૌશલ્યનું પ્રમાણપત્ર મેળવી રોજગારી માટે વધુ સક્ષમ બનશે.

