Gujarat

કલોલ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી ₹2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલ તાલુકા પોલીસે મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સઈજ ગુરુકુલ કટ પાસે એક સીએનજી રીક્ષામાંથી છુપાવેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી કુલ ₹2.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમી મુજબ, મહેસાણા તરફથી એક બજાજ સીએનજી રીક્ષા (નંબર GJ-08-AV-2654) માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક વ્યક્તિ અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને સઈજ ગુરુકુલ કટ પાસે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની રીક્ષા હાઇવે પરથી પસાર થતાં જ પોલીસે તેને રોડની સાઇડમાં રોકી લીધી હતી. રીક્ષા ચલાવતા ઇસમની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નાનક રામારામ આદુજી સિયાગ જાટ (ઉંમર 20, રહે. કુડા, જી. બાડમેર, રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે રીક્ષાની સઘન તપાસ કરતા ડ્રાઇવર સીટની નીચે અને પાછળની સીટમાં સ્પીકરના ખાનામાં ગુપ્ત રીતે સંતાડેલી વિદેશી દારૂની કુલ 77 બોટલો મળી આવી હતી.

ઝડપાયેલા દારૂના જથ્થામાં બ્રાન્ડેડ વ્હીસ્કી અને વોડકાની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹1,40,930 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલી બજાજ સીએનજી રીક્ષા અને આરોપી પાસેથી મળેલા મોબાઇલ ફોન સહિત કુલ ₹2,19,930 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.