દેવસર નવનાથ ધામ ખાતે યાત્રિકોની સુવિધા માટે નિર્મિત ‘શ્રી આઈ ભવન’ (યાત્રી નિવાસ) અને ‘ગર્ભગીરી પ્રસાદાલય’ (ભોજનશાળા)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સમારોહ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર અને સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રી આઈ ભવનનું વિધિવત્ અનાવરણ કરાયું. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રોહતક (હરિયાણા) સ્થિત બાબા મસ્તનાથ મઠના મઠાધીશ્વર, પૂર્વ સાંસદ અને તિજારા (રાજસ્થાન)ના વર્તમાન ધારાસભ્ય મહંત બાલકનાથજીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે ભક્તજનોને ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી.

છોટેદાદાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “બહુજન હિતાય, બહુજન સુખાય”ના ધ્યેય સાથે કાર્યરત નવનાથ ધામનું અન્નક્ષેત્ર વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે અન્નસેવા અને વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓના વિસ્તરણ અને યાત્રિકોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓથી સજ્જ ગર્ભગીરી પ્રસાદાલય અને શ્રી આઈ ભવનનું નિર્માણ કરાયું છે.

આ સમારોહમાં મહંત કમલનાથજી (જેતપુર), ભોળાનાથજી (જૂનાગઢ), મહંત ભરતનાથજી (વડિયા) તથા યોગનાથ યોગી (ચાંગા) સહિતના સંત-મહંતો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં આગેવાનો, દાતાશ્રીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

