Gujarat

જામનગર ડમ્પિંગ સાઇટની આગ ચોથા દિવસે પણ યથાવત

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ડમ્પિંગ પોઈન્ટ ખાતે લાગેલી આગ સતત ચોથા દિવસે પણ યથાવત છે. ફાયર વિભાગની ટીમો રાઉન્ડ ધ ક્લોક આગ બુઝાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ અને ધૂંધવાટો સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા નથી.

છેલ્લા ચાર દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા 70થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં 30થી વધુ ફાયર ઓફિસરો, ફાયરમેન અને જવાનોની ટીમો સતત સ્થળ પર ખડેપગે જોડાઈ છે.

ફાયર વિભાગના ફાયર ઓફિસર જે.બી. રાણા અને અનવર ગજ્જણના જણાવ્યા મુજબ, ડમ્પિંગ સાઇટ પર કચરાના 30થી 40 ફૂટ ઊંચા વિશાળ ઢગલા છે. તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ કચરો હોવાથી આગ અંદરથી સતત સળગતી રહે છે. ઉપરના ભાગેથી 10થી 15 ફૂટ સુધી પાણીનો મારો ચલાવી આગ ઠારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આગ ખૂબ ઊંડે સુધી સળગી રહી હોવાથી કામગીરી અત્યંત મુશ્કેલ બની છે.

ફાયર વિભાગે ગુલાબનગર તરફના કચરાના ઢગલાઓ પર આંશિક કાબૂ મેળવી લીધો છે. જોકે, પાછળની સાઇડમાં રાજકોટ રોડ તરફના ભાગમાં હજુ અંદરથી ધૂંધવાટો ચાલુ હોવાથી ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. આથી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

આગ બુઝાવવાની કામગીરી વધુ અસરકારક બને તે માટે ફાયર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નજીકમાં આવેલા મહાનગરપાલિકાના પાણીના ટાંકામાંથી સતત પાણી પુરવઠો મેળવવા માટે એક ફાયર ફાઇટર તૈનાત રખાયું છે. ત્યાંથી આશરે 300 મીટર લાંબી પાઇપલાઇન દ્વારા પ્રેશર સાથે પાણી પહોંચાડી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.