Gujarat

જામનગર શ્રાવણી મેળાથી મનપાને ₹1.75 કરોડની આવક

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી 11 દિવસ માટે આયોજિત શ્રાવણી લોકમેળાના પ્લોટની ફાળવણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે. અગાઉ કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર આવ્યા હતા, કેટલાક માટે ટેન્ડર મળ્યા ન હતા તેમજ ટેકનિકલ કારણોસર પણ કેટલીક ફાળવણી મોકૂફ રાખવામાં આવી હતી.

આ કારણોસર બાકી રહેલા પ્લોટ માટે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે ઓપન હરાજી યોજવામાં આવી હતી. આ હરાજીમાં મશીન મનોરંજનના 6 પ્લોટ, ખાણી-પીણી માટેના ફૂડ ઝોનના 6 પ્લોટ, આઈસક્રીમ બૂથના 2 પ્લોટ, પોપકોર્નનો 1 પ્લોટ તથા ચિલ્ડ્રન રાઈડનો 1 પ્લોટ મળી કુલ 16 પ્લોટની હરાજી કરવામાં આવી હતી.

શ્રાવણી લોકમેળાના આયોજન થકી જામનગર મહાનગરપાલિકાને કુલ અંદાજે ₹1.75 કરોડની આવક થવા પામી છે. આગામી 1 સપ્ટેમ્બરથી મેળાનો પ્રારંભ થવાનો હોવાથી, હવે ધંધાર્થીઓ અને પ્લોટ ધારકો પોતાના સ્ટોલ તથા અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવાની કામગીરી હાથ ધરશે. મહાનગરપાલિકા દ્વારા મેળા માટે જરૂરી અન્ય મંજૂરીઓની પ્રક્રિયા પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.