Gujarat

વિશ્વના બીજા નંબરના વજનદાર 11 ટનના સુખડના ‘જરી મુબારક’ તાજિયા

ખંભાતમાં મહોરમ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સુંદર તથા કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે. ખંભાતના દરબારગઢમાં 333 વર્ષ પહેલાં ઈ.સ. 1793માં નિર્માણ પામેલા સુખડના બેનમૂન તાજિયા હાલ દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે, જેને જોવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે.

ખંભાતનું વિલીનીકરણ થયું તે પહેલાં શિયા પંથના મોગલ રાજકર્તા નવાબો મહોરમની ધાર્મિક રીતે મોટા ખર્ચે અને પરંપરાગત પદ્ધતિથી ઉજવણી કરતા હતા. આજે પણ તે પરંપરા અકબંધ છે.

ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે પ્રાચીન નવાબી નગરી ખંભાતમાં નીકળનારા જુલૂસમાં ઈ.સ. 1793ના સુખડના ઐતિહાસિક તાજિયા તેમજ તે સમયના પ્રતીકો આકર્ષણનું કેન્દ્ર બનશે.

દરબારગઢમાં સ્થાપિત આ તાજિયા મહોરમના 10મા ચાંદે દરિયાકાંઠે જુમ્મા મસ્જિદની બાજુમાંથી નીકળશે. આ જુલૂસ ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર અને લાલ દરવાજા થઈને લાલબાગ આગળ આવેલા નારેશ્વર તળાવ પહોંચશે, જ્યાં તાજિયા ઠંડા કરવામાં આવશે.

સુખડના આ બેનમૂન ઐતિહાસિક તાજિયા “જરી મુબારક” તરીકે ઓળખાય છે, જેનું વજન આશરે 11 ટન (550 મણ) જેટલું છે. વિશ્વના બીજા નંબરના સૌથી વજનદાર ગણાતા ખંભાતના આ તાજિયાને મુસ્લિમ બિરાદરો ઉઘાડા પગે પોતાના ખભા પર ઊંચકીને દરબારગઢથી નારેશ્વર તળાવ સુધી પહોંચાડે છે.