Gujarat

ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ મહા વૃક્ષારોપણ અભિયાન, એક વર્ષમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને ‘હરિયાળી લોકસભા’ બનાવવાના સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ, રવિવારના રોજ વિશાળ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાવાનું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ અભિયાનમાં નાગરિકોને પોતાના પરિવારના દરેક સભ્યના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવા અપીલ કરવામાં આવી છે.

1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી સંકલ્પ વર્ષ 2026-27 દરમિયાન ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં કુલ 1,01,10,026 વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી સાતેય વિધાનસભા બેઠકોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ હાથ ધરાશે. તેમાં સાણંદ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 52.64 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિસ્તારમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરીને ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગાંધીનગર લોકસભામાં ગ્રીન કવરમાં 11.25% નો વધારો છેલ્લા કેટલાક વર્ષોમાં હાથ ધરાયેલા સઘન વૃક્ષારોપણના પરિણામે વર્ષ 2019થી 2025 દરમિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારના ગ્રીન કવરમાં નોંધપાત્ર 11.25 ટકાનો વધારો નોંધાયો છે. પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને કારણે આ વિસ્તાર હરિયાળી વિકાસના મોડેલ તરીકે ઉભરી રહ્યો છે.

અમદાવાદ અને આસપાસના શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 94 જેટલા હાઈ-ટેક ‘ઓક્સિજન પાર્ક’ વિકસાવવામાં આવ્યા છે. સાબરમતી, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ અને વેજલપુર સહિતના વિસ્તારોમાં જાપાનની મિયાવાકી ટેક્નિક અને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ દ્વારા ટૂંકા ગાળામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જે શહેરના પર્યાવરણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

આગામી રવિવારે યોજાનારા મહા વૃક્ષારોપણ અભિયાનમાં વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન નોંધણી વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. નાગરિકો નિર્ધારિત સ્થળોએ યોજાનારા આ પર્યાવરણ મહોત્સવમાં જોડાઈ શકશે તેમજ વૃક્ષારોપણ માટે નોંધણી કરાવી શકશે.

વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા અને નોંધણી માટે નાગરિકોને સત્તાવાર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે: “ગાંધીનગર લોકસભા પોર્ટલ” (https://reference-url-citation.invalid/0)