Gujarat

LRD પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર ભરતી (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) અંતર્ગત યોજાયેલી લેખિત પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. આ આન્સર કી જાહેર થતાં જ હવે ઉમેદવારોના પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે.

14 જૂનના રોજ યોજાઈ હતી પરીક્ષા ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક કેડરની આ લેખિત પરીક્ષા ગત 14 જૂન, 2026ના રોજ રાજ્યભરમાં અત્યંત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર સહિતના વિવિધ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર હજારો ઉમેદવારોએ ઉત્સાહભેર આ પરીક્ષા આપી હતી.

વાંધા અરજીઓના નિકાલ બાદ આખરી નિર્ણય પરીક્ષા સંપન્ન થયા બાદ, ભરતી બોર્ડ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને 20 જૂન, 2026ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. આ પ્રોવિઝનલ કી સામે ઉમેદવારો પાસેથી જરૂરી પુરાવાઓ સાથે વાંધા અને રજૂઆતો મંગાવવામાં આવી હતી.

ઉમેદવારો તરફથી પ્રાપ્ત થયેલા તમામ વાંધાઓ અને રજૂઆતોનું વિષય નિષ્ણાતોની પેનલ દ્વારા ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુણની ગણતરી અને પરિણામની તૈયારી ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવે ફાઇનલ આન્સર કીમાં કરવામાં આવેલા સુધારા-વધારાને આખરી ગણીને તેના આધારે જ તમામ ઉમેદવારોના ગુણની ગણતરી કરવામાં આવશે. આ ગુણ ગણતરીના આધારે આગામી દિવસોમાં પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.