ભરૂચ જિલ્લામાં પેઇનકિલર સહિતની દવાઓ તથા ઇન્જેકશનોનો નશાકારક તરીકે ઉપયોગ કરવાના યુવાનોમાં વધી રહેલા ચલણ સામે પોલીસ સક્રિય બની છે. રોટરી હોલમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને પોલીસ અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક મળી હતી.
તાજેતરમાં જ અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર્સ પરથી અંદાજે ૭ કિલોથી વધુ પ્રતિબંધિત નશાકારક ગોળીઓ પકડાવાને પગલે આ બેઠક ખૂબ જ મહત્વની બની રહી હતી. ભરૂચ જિલ્લા પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શહેરના રોટરી હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકનો મુખ્ય હેતુ પોલીસ તંત્ર અને દવાના વેપારીઓ વચ્ચે સંકલન વધારવાનો હતો. નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવાનો હતો. દવાઓના વેચાણ દરમિયાન ઊભા થતા વહીવટી પ્રશ્નો અને વ્યવહારિક મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી.
મેડિકલ સ્ટોરના સંચાલકોએ પણ પોતાના વિવિધ પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતાં. જેનો હકારાત્મક ઉકેલ લાવવા ખાતરી અપાઈ હતી. બેઠકમાં ભરૂચના ડીવાયએસપી ડો. કુશલ ઓઝા અને એસઓજીના પીઆઇ એ. વી. પાનમિયા, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ખુશ્બુ મિસ્ત્રી, અધિકારી અલ્પેશ પટેલ, મેડિકલ એસોસિએશનના પ્રમુખ ભરત શાહ તેમજ મોટી સંખ્યામાં એસોસિએશનના સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

