Gujarat

તાપીમાં રેત માફિયાઓ પર મેગા રેડ

તાપી જિલ્લામાં એક જ સપ્તાહમાં નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી ખનિજ ચોરી કરતા રેતી માફિયાઓ પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે ખાણખનિજ વિભાગે પણ સફાળી જાગી ને કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર વિભાગની ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ અચાનક ત્રાટકીને કુલ રૂ. 2.87 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવતા સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​તંત્રની ત્રીજી મોટી કાર્યવાહી કુકરમુંડા તાલુકામાં જોવા મળી હતી. જુના પીપલાસ ગામે આવેલી અલ્પેશ બાબુભાઈ પંચાલની રેતીની લીઝ ઉપર પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

​આ રેડ દરમિયાન લીઝ પર રેતી સંગ્રહ અંતર્ગત જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય કોઈ આધાર-પુરાવા રજૂ કરવામાં ન આવતા તંત્રએ કડક વલણ અપનાવી સાદી રેતીનો જથ્થો સીઝ કર્યો હતો. આ સાથે જ ત્યાંથી રેતી ભરીને જતી એક ટ્રકને રોકીને તપાસતા તેની પાસે પણ રોયલ્ટી સહિતના જરૂરી દસ્તાવેજો ન મળતા, ટ્રક સહિત કુલ ₹૨૭ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

બીજી તરફ, જિલ્લા પ્રશાસને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ નિઝર તાલુકાના જ કોટલી ગામે આવેલી ભાવેશ પટેલની રેતીની લીઝ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન લીઝ પર રેતી સંગ્રહ સંબંધિત કાગળો, રોયલ્ટી પાસ સહિતના કોઈ પણ જરૂરી દસ્તાવેજી આધાર-પુરાવા મળી આવ્યા ન હતા.

તપાસ દરમિયાન સ્થળ પર હાજર વ્યક્તિઓ દ્વારા રેતી સંગ્રહ સંબંધિત જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય આધાર-પુરાવા રજૂ કરવા જણાવતાં હાજર લીઝના માણસો દ્વારા રજૂ કરેલ પુરાવાઓ અને સ્થળની વિગતો અલગ જણાઇ આવતા રૂ.1.39 કરોડનો સામાન સીઝ કરવામાં આવ્યો હતો. લીઝના એરિયાની માપણી કરી લીઝનો કોડ તાત્કાલીક અસરથી બંધ કરવા ભૂસ્તર વિભાગને જાણ કરાઈ હતી.