રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આજે વેપારીઓ દ્વારા ‘NO UPI DAY’ પાળવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન અંતર્ગત બજારના વેપારીઓએ પોતાની દુકાનોમાં મુકેલા UPI QR કોડ પર કાળું કપડું ઢાંકીને વિશિષ્ટ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આજે યુપીઆઇથી પેમેન્ટ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ રાખ્યું છે.
UPI ટ્રાન્જેક્શન પર વધારાના ચાર્જિસ અને કડક લિમિટ લાદવામાં આવતા વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, પેલેસ રોડ તેમજ પરા બજાર સહિત રાજકોટની તમામ મુખ્ય બજારોમાં આજે સવારથી જ આ વિરોધની વ્યાપક અસર જોવા મળી રહી છે.
આ વિરોધ પ્રદર્શનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ અન્ય ટેકસટાઇલ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજે NO UPI DAY ઉજવાયો હતો. સામાન્ય રીતે બજારમાં થતા કુલ વેપારમાં 60%થી 70% જેટલા પેમેન્ટ્સ ડિજિટલ માધ્યમ એટલે કે UPI સ્કેનર દ્વારા થતા હોય છે.
આવી સ્થિતિમાં આજે દિવસ દરમિયાન વેપારીઓ દ્વારા UPI પેમેન્ટ નહીં સ્વીકારવામાં આવતા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટકી પડ્યા છે, જેના કારણે બજારના વેપાર પર મોટી અસર પડી છે અને ગ્રાહકોને પણ રોકડમાં વ્યવહાર કરવાની ફરજ પડી રહી છે.

