Gujarat

મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરાવ્યો પ્રારંભ, ખેડૂતોને સીધું બજાર મળશે અને આત્મનિર્ભર બનશે

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામજોધપુરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કર્યું. તેમણે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાતચીત કરી અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી.

જામજોધપુર ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, સૌએ ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ૧૦૦ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોના ઈ-લોકાર્પણનું જીવંત પ્રસારણ જોયું.

મંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોને બજાર મળવાથી ખેડૂતો આત્મનિર્ભર બનશે. આ કેન્દ્ર શરૂ થવાથી જામજોધપુરના ખેડૂતોને તેમના શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનો સીધા વેચવાની તક મળશે.

પ્રાકૃતિક કૃષિ જમીનનું આરોગ્ય, પાણીનું સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે મહત્વનું પગલું છે. આવા વેચાણ કેન્દ્રો ખેડૂત અને ગ્રાહક વચ્ચે સીધો સંબંધ બનાવશે, જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય બજાર મળી રહે.