રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામજોધપુર તાલુકા સેવા સદન ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ. જેમાં તાલુકાના વિકાસ અને જનહિતના પ્રશ્નો અંગે અધિકારીઓને માર્ગદર્શન અપાયું.

વરસાદની સ્થિતિ, આધારકાર્ડ કીટ, પશુઓ માટે ઘાસ વિતરણ, અને વન વિભાગના પ્રશ્નો પર જનપ્રતિનિધિઓની રજૂઆતો પર ચર્ચા થઈ. મંત્રીએ અધિકારીઓને સ્થાનિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખી હકારાત્મક રીતે કામ કરવા સૂચના આપી.
મંત્રીએ જણાવ્યું કે, તંત્રનો હેતુ લોકોને સમયસર અને સારી સેવાઓ આપવાનો છે. પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે વિભાગો વચ્ચે યોગ્ય સંકલન અને સમયસર કામગીરી જરૂરી છે. તેમણે વિકાસ અને કલ્યાણના પ્રશ્નોનું નિયમિત ધ્યાન રાખી કાર્યવાહી કરવા કહ્યું.

બેઠકમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જામજોધપુર પ્રાંત અધિકારી વાય.એન.બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ હીરપરા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા.

