દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોહિબીશન કાયદાના અમલ માટે મીઠાપુર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ કરતા બે બુટલેગરને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 41 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મીઠાપુર પોલીસ સ્ટેશનના PI કે.એસ. ગરચરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીના આધારે, આરંભડા GIDC નજીક ટાટા કંપનીના સિમેન્ટ પ્લાન્ટ સામે દેવપરા ધડા વિસ્તાર તરફ જતા રસ્તા પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે બે વ્યક્તિઓને ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ 41 સીલબંધ બોટલો સાથે પકડી પાડ્યા હતા. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત ₹25,666 આંકવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાજમલભા સાજણભા પરમાર (ઉંમર 32, રહે. દેવપરા ધડા વિસ્તાર, દ્વારકા) અને રાજેશભાઈ પ્રવીણભાઈ ચાનપા (ઉંમર 24, રહે. કૃષ્ણનગર સોસાયટી, આરંભડા સીમ, દ્વારકા) તરીકે થઈ છે. બંને મજૂરી કામ કરે છે.
બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરિક્ષક નીર્લીપ્ત રાય, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

