જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી A-1 રેસ્ટોરન્ટમાંથી ચિકન રોલ ખાધા બાદ 50થી વધુ લોકોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના સામે આવી છે. ખોરાક લીધા બાદ લોકોને સતત પેટમાં દુખાવો અને ઝાડા-ઉલટીની તકલીફ થતાં તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આરોગ્ય વિભાગ સામે સવાલો ઊભા થયા છે.
ચિકન રોલ ખાધા બાદ 50થી વધુ લોકો બીમાર જામનગરના બેડેશ્વરમાં આવેલી A-1 રેસ્ટોરન્ટમાંથી રવિવારે અનેક લોકોએ ચિકન રોલ ખાધા હતા અથવા ઘરે પાર્સલ લઈ ગયા હતા. આ વાસી કે ઝેરી ખોરાક ખાધાના થોડા જ સમયમાં લોકોને પેટમાં ભારે દુખાવો અને ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. એક પછી એક મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

જી.જી. હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર શરૂ કરાઇ ઘટનાની ગંભીરતા જોઈને દર્દીઓને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક સક્રિય થઈને સારવાર હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્ત દર્દી હારુન મહંમદ શેરે માહિતી આપતાં જણાવ્યું હતું કે બેડેશ્વર અને બેડી વિસ્તારના આશરે 100 જેટલા લોકો આ ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત થયા છે. તબીબોના સતત મોનિટરિંગ બાદ હાલ તમામ દર્દીઓની સ્થિતિ સુધારા પર અને સ્થિર છે.

