Gujarat

‘મારો પતિ માણસ નહીં જાનવર છે’ લખેલી સુસાઈડ નોટ મળતાં પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો, વાવોલ ગોકુળપુરાની ઘટના

ગાંધીનગરના વાવોલ ગોકુળપુરા ખાતે રહેતી અને ધોરણ-12માં અભ્યાસ કરતી 17 વર્ષીય પરિણીતા કવિતા ગુર્જરે ગત 23 માર્ચ 2026ના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના મહિનાઓ બાદ ઘરની સાફ-સફાઈ દરમિયાન તિજોરી નીચેથી સગીરાએ લખેલી સુસાઈડ નોટ હાથ લાગતાં, સેક્ટર-7 પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તેના પતિ સોનુ ઉર્ફે નાનાલાલ ગુર્જર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાએ લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો મૂળ રાજસ્થાનના અને હાલ વાવોલમાં ભંગારનો વ્યવસાય કરતા કનૈયાલાલ ગુર્જરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી કવિતાના લગ્ન માર્ચ 2023માં રાજસ્થાનના તિલોલી ગામના સોનુ ઉર્ફે નાનાલાલ ગુર્જર સાથે થયા હતા. 23 માર્ચે કવિતા ઘરે એકલી હતી ત્યારે તેણે છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી, ત્યારબાદ પરિવારજનો અંતિમવિધિ માટે વતન ગયા હતા.

‘મે મેરે પતિ સે બહુત પરેશાન હું’ અંતિમક્રિયા પૂર્ણ કરી મે મહિનામાં પરત ફરેલા પરિવારે જ્યારે ઘરની સાફ-સફાઈ હાથ ધરી ત્યારે તિજોરી નીચેથી કવિતાની હસ્તાક્ષરવાળી ચિઠ્ઠી મળી આવી હતી. હિન્દીમાં લખાયેલી આ સુસાઈડ નોટમાં કવિતાએ લખ્યું હતું કે, મેરે પતિ સે મે પરસાન હો ગઈ, મે અબ મર રહી હું, વો મુજે રોજ ટોકતા હૈ, પરિવાર વાલે સે ભી બાત નહીં કરને દેતા હૈ, વો આદમી નહીં જાનવર હૈ, મેરે ઘર વાલોને મુજે કુછ ભી નહીં બોલા, મે મેરે પતિ સે બહુત પરેશાન હું.